અતિથિભવન – અંબાજી

શક્તિ અને ભક્તિના અદભુત સમન્વયનું એક પરમ પાવન ધામ. વિશ્વભરમાં પથરાયેલા લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર અને ૫૧ શક્તિપીઠમાં અગ્રગણ્ય છે અંબાજી. સમસ્ત હિન્દુ ધર્મનું આ અતિ વિશિષ્ટ અને અતિ મહત્વનું યાત્રાધામ છે. વિશ્વના ખૂણે ખૂણે વસેલા શ્રદ્ધાળુઓ મા અંબાના આ ધામ તરફ ખેંચાઈ આવે છે અને મા જગદંબાનાં દર્શન કરીને ભાવવિભોર બને છે. મા અંબાના પરમ ભક્તોમાં શ્રી વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજના સભ્યોનો પણ સમાવેશ થાય છે.

આપણો વિશાળ સમાજ પણ ગુજરાત અને ગુજરાતની બહાર પથરાયેલો છે. સમગ્ર સમાજના પરિવારોમાં એકતાની ભાવના વિકાસે અને આપણે સૌ પરસ્પરની વધુ નજીક આવીએ એ હેતુથી આપણી આ સંસ્થા સતત કાર્યરત છે. આપણા સમાજની સેવાના વધુ એક સોપાન તરીકે, સંસ્થાએ મા અંબાના ધામ અંબાજીમાં એક અદ્યતન અતિથિભવનનું નિર્માણ કરવાનું ભગીરથ કાર્ય ઉપાડ્યું છે. અંબાજી-દાંતા રોડ પર ૬૫૦૦૦ ચોરસ ફૂટની વિશાળ જગ્યામાં, અનેક પ્રકારની આધુનિક સુવિધાઓથી સજ્જ આ અતિથિભવનનું નિર્માણ કાર્ય તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. જે ટુક સમયમાં પૂર્ણ થવામાં છે.

અતિથિભવનનું આયોજન અંબાજી શહેરના ભાવિ વિકાસ અને આપણી નવી પેઢીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કરવાનું આવ્યું છે. અતિથિભવનમાં ડબલ બેડની ૫૬ રૂમ, વિશાળ કૉમ્યુનિટી હૉલ, રસોડું, ડાઇનિંગ હૉલ, સ્ટાફરૂમ, ઑફિસ, સ્ટોરરૂમ, વિશાળ પાર્કિંગ, બગીચો વગેરે સુવિધાઓ વિકસાવવામાં આવશે. એ સાથે, અહીં વિશ્વકર્મા પ્રભુનું ભવ્ય મંદિર પણ નિર્માણ કરવામાં આવશે. મિત્રો, આપ સૌ જાણો છો તેમ, આ કોઈ એક-બે વ્યક્તિનું કામ નથી. આપણા સમગ્ર સમાજના સૌ પરિવારો એક થઈને કામે લાગશે તો આ કામ સુંદર રીતે સંપન્ન થશે. આપ સૌને તન-મન-ધનથી મા અંબાના પવિત્ર ચરણોમાં પોતાનાથી શક્ય એટલું યોગદાન આપવા અમે નમ્ર વિનંતી કરીએ છીએ.

અતિથિભવનનું કાર્ય સમયસર આયોજન મુજબ પૂરું થાય એ માટે સમાજ આપનો સહકાર ઇચ્છે છે. આ માટે, અમે દાનની કેટલીક યોજનાઓ વિચારી છે. મોટું દાન આપવા ઇચ્છતા દાતાઓ એ જાણ કરવા વિનંતી. આ અતિથિભવન આપણા મેવાડા સુથાર સમાજનું છે. આથી આપણા સમાજના આગેવાન જ આગળ આવીને મા જગદંબાના આશીર્વાદ મેળવશે તેવી અપેક્ષા છે. સમાજના વિકાસમાં આપનું યોગદાન ચિરંજીવ અને અમૂલ્ય રહેશે.

મિત્રો, આ સંસ્થા આપણી સૌની છે. સંસ્થાના વિકાસમાં સમાજનો દરેક પરિવાર સહભાગી બને તે ઇચ્છનીય છે. આપણા સમાજના કોઈ પરિવાર સંસ્થાના સભ્યપદથી વંચિત ન રહે તે માટે સભ્ય નોંધવાની કામગીરી નિરંતર ચાલુ છે.

 

આપણા સમાજના વિકાસ માટે સંસ્થાએ વિચારેલી મહત્વાકાંક્ષી યોજનાઓ.

  1. અંબાજી ખાતેના અતિથિભવનનું નિર્માણકાર્ય સંપન્ન કરવું.
  2. દરેક દાતાને બૅન્કના ક્રેડિટ કાર્ડ જેવું ઓળખપત્ર આપવું.
  3. સમગ્ર ગુજરાતમાં વસતા સમાજના પરિવારની મોજણી કરવી.
  4. સમાજમાં ૧૦૦ ટકા સાક્ષરતા માટે પ્રયાસ કરવા.
  5. કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવું.
  6. આર્થિક રીતે નબળા પરિવારને રોજી આપવી.
  7. મેડિકલ કેમ્પ્સનું આયોજન કરવું
  8. સમાજની સંસ્કૃતિના પ્રસાર માટે સાહિત્ય તૈયાર કરવું.
  9. સમાજના વિકાસમાં અગ્રેસર વ્યક્તિઓનું સન્માન અને દસ્તાવેજીકરણ કરવું.
  10. યુવાનોને સમાજના વિકાસમાં આગળ આવવા પ્રોત્સાહન આપવું.
  11. સમાજના તેજસ્વી યુવાનોનું સન્માન કરવું.
  12. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપવી.
  13. પુરાતનત્વ અને ઐતિહાસિક ધરોહર નુ સંગ્રહસ્થાન કરવું.
  14. વિશ્વકર્મા દાદાના મંદિરનું આયોજન.

 

આપણા સમાજના ઉત્તરોત્તર વિકાસ માટે લાંબા ગાળાની અનેક યોજનાઓ વિચારી છે. આ બધાના અસરકારક અમલ માટે, આપ સૌના સહકાર અને અમૂલ્ય યોગદાનની અપેક્ષા છે. પરમકૃપાળુ શ્રી વિશ્વકર્મા પ્રભુ તેમ જ મા અંબા આપણને સૌને આપણાં કાર્યો પાર પાડવાની શક્તિ આપશે જ, આપણે સંઘબલથી સતત આગળ વધીએ….